દુઃખી થાવાને
માટે
દુઃખી થાવાને માટે કોઇ ધરતી પર
નહિ આવે,
હવે સદિઓ જશે ને કોઇ પયગંબર નહિ
આવે.
હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને
પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહિ
આવે.
આ બળવાખોર ગઝલો છોડ લખવાનું 'જલન' નહિતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહિ
આવે.
કરીને માફ સ્નેહીઓ, ઊઠાવો એક બાબત પર,
'જલન'ની લાશ ઉંચકવા અહીં ઈશ્વર નહિ
આવે.
આમ તો ગઝલનો
પ્રત્યેક શે'ર સ્વતંત્ર હોય
છે. પ્રત્યેક શે'ર અલગ અલગ વાત
રજુ કરી શકે. પણ આ ગઝલમાંથી માત્ર એકવાર પસાર થતા જાણી શકીએ કે આ જીવન પ્રત્યેનો
નિરાશાવાદી ભાવ અને મુખ્યત્વે ઈશ્વર વિરુદ્ધનું કાવ્ય છે.
પહેલી જ
પંક્તિમાં કવિનો નિરાશાવાદી સ્વભાવ પ્રતિબિંબિત થાય છે.
"દુઃખી થાવાને માટે કોઈ ધરતી પર નહિ આવે,
કવિ માટે આ
દુનિયા દુઃખોથી ભરપૂર છે, જે કોઈ આ પૃથ્વી પર જન્મ લઈને આવે છે, તે દુઃખી થવા માટે જ આવે છે. જો કે ખરેખર એવુ નથી હોતુ. આ તો
અનુભવની બાબત છે. કોઈ માટે આ ધરતી સ્વર્ગથી પણ ચડિયાતી હોઈ શકે. પણ કદાચ કવિને
જીવનમાં માત્ર કડવા અનુભવો જ થયા હોય! ને એટલે જ એ ઈચ્છે છે કે આ ધરતી પર દુઃખો
સહન કરવા માટે કોઇ ના આવે.
"હવે સદિઓ જશે ને કોઈ પયગંબર નહિ આવે"
અહિં પયગંબર એટલે
માત્ર ઈસ્લામ ધર્મનાં પ્રવર્તક નહિ પણ ભગવાનને રજૂ કરે છે. ભારતમાં એક માન્યતા છે
કે જ્યારે જ્યારે અધર્મ વધે છે ત્યારે ઈશ્વર કોઇ સ્વરુપે જન્મ લે છે અને અધર્મનો
નાશ કરે છે. પણ કવિ આ બાબતે પણ નિરાશા અનુભવે છે અને કહે છે કે હવે સદીઓ વહી જશે
પણ કોઈ ફરિસ્તો નહિ આવે, માનવીએ બધા દુઃખો વેઠવા જ રહ્યા.
"હવે તો દોસતો ભેગા મળી વહેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહિ
આવે."
હવે આ પંક્તિઓ
સમજવા માટે પૌરાણિક દંતકથાનો ખ્યાલ હોવો જરૂરી છે. દંતકથા મુજબ દેવો અને દાનવોએ
સમુદ્રમંથન કર્યુ તેમાં ઝેર પણ નીકળ્યુ જે શંકરે પીને ગળામાં અટકાવી દીધુ ને બીજા
કોઈએ ઝેર પીવુ ન પડ્યુ ને સમુદ્રમંથન ચાલુ રહ્યુ. હવે આ દુનિયામાં ઝેર પીવા શંકર
નહિ આવે.આ ઝેર એટલે વિષ નહિ પણ કવિએ શબ્દ વાપર્યો છે, 'જગતનાં ઝેર' કપટ, દંભ, ઇર્ષ્યા, છળ, પ્રપંચ આ બધુ. ને આ બધા ઝેર આપણે જ ભેગા મળીને
પીવાના છે. ભગવાન પાસે પ્રાર્થના કરવી વ્યર્થ છે કેમ કે હવે ભગવાન દુઃખ દુર કરવા
નહિ આવે, ભેગા મળીને,
વહેંચવાથી જ દુઃખો દૂર
થશે.
હવે કવિ પોતે જ
પોતાને સલાહ આપે છે કે આવી બળવાખોર ગઝલો છોડવાનું છોડી દે નહિતર અંત સારો નહિ આવે.
બળવાખોર ગઝલ એટલા માટે કે ઈશ્વર વિરોધી છે. આપણે જાણીએ છીએ કે ઈશ્વરની ઉપેક્ષા
કરનારાઓને આંધળા ભક્તો સહન કરી શકતા નથી. ભગવાનનાં નામ પર આતંકવાદ, દંગલો, ઝઘડાઓ આજે પણ થાય જ છે. ને કવિ પણ આ બાબત જાણે છે. એટલે જ
તો એ લખે છે,
"આ બળવાખોર ગઝલો છોડ લખવાનું 'જલન' નહિતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહિ
આવે"
હવે મક્તામાં
એટલે કે છેલ્લી બે પંક્તિઓમાં કે જેમાં સૌથી પ્રબળ વિચાર રજૂ કરવાનો હોય છે એમાં એ
લોકો પર કટાક્ષ કરે છે જેઓ ઈશ્વરને, કે જેને કદી જોયો નથી તેને માનવજાતિથી પણ વધારે મહત્વ આપે
છે. કવિ કહે છે,
"કરીને માફ સ્નેહિઓ ઉઠાઓ એક બાબત પર,
'જલન'ની લાશ ઊંચકવા અહિં ઈશ્વર નહિ
આવે"
હે મારા સ્વજનો,
મારા બધા ગુનાઓ માફ કરીને
મારી લાશને ઊંચકો કેમ કે મારી લાશ ઊંચકવા ઈશ્વર નહિ આવે. જનાજો ઊંચકવાની બાબત
દ્વારા માત્ર મૃત્યુની નહિ પણ સમગ્ર જીવનની વાત સમજવાની છે. આખી જીંદગી દરમિયાન
માનવી જ માનવીને કામ આવે છે નહિ કે ઈશ્વર. માટે માનવીની ઉપેક્ષા કરી ઈશ્વર,
ધર્મના નામે ઝઘડવુ નરી
મૂર્ખતા છે.
તો ગઝલકારે સરળ
ભાષામાં એક બાજુ દુનિયાના દુઃખોને રજૂ કરતી તો બીજી બાજુ માનવીને પરીઘમાંથી
કેન્દ્રમાં મૂકતી સુંદર ગઝલ રજૂ કરી છે.
Really critical analysis of the poem. It is like reading between the lines.
ReplyDelete